ચૈતાલી કંપનીના કામે હોંગકોંગ ગઈ હતી ત્યાં કોઈને અંગ્રેજી નહોતું આવડતું. ચૈતાલીએ જોયું કે માતૃભાષા માટે એ લોકોને ખૂબ પ્રેમ છે. એનો પ્રશ્ન છે કે મને કેમ કોઈએ ગુજરાતી શીખવા માટે પ્રેરિત ન કરી. ચૈતાલી કહે છે, નાનપણથી મમ્મી અમને ઇંગ્લિશમાં જ વાત કરવા કહેતી. ઘરે પણ અમે ઇંગ્લિશમાં જ વાતો કરીએ. મમ્મી પણ એમાંથી થોડું ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલે. બહાર કોઈ પાર્ટીમાં જઈએ તો મમ્મી બીજાઓ સાથે અંગ્રેજીમાં વાતચીત ન કરી શકે એથી ખૂબ નાનપ અનુભવે. અમે પણ નાનપણથી આવું જ જોયેલું તેથી ક્યાંક મનમાં બરાબર ઠસી ગયેલું કે ઇંગ્લિશ બોલવાથી આપણી ઈમ્પ્રેશન બહુ સારી પડે છે. તેમ જ તમે ભણેલાં છો એવું લોકોને લાગે.
પણ, પણ હવે લાગે છે કે ના, આપણે ખોટા રસ્તે છીએ. જાપાન ચીન જેવા દેશો ત્યાં એ લોકો પોતાની ભાષા જ વાપરે છે છતાં માનસિકતા ઘણી વિકસિત, ખોટા આડંબર નહિ, ખોટા ફાંકા નહિ. આત્મવિશ્વાસથી છલોછલ ભરેલા હોય આ ખૂબ જ જરૂરી છે.
ચૈતાલી મને કહે, ‘‘મને તો મારી મમ્મી પર ખૂબ જ ગુસ્સો આવે છે.’’ અમારા મગજમાં અંગ્રેજીનું ભૂત મમ્મીએ જ ભરાવ્યું છે. જાણે અંગ્રેજી ન હોય તો આપણે જીવનમાં કંઈ જ ન કરી શકીએ. મેં કહ્યું, હવે જે થયું તે, ચાલો આનંદની વાત છે. તારા કંપનીના કામે ગઈ હતી પણ હવે તને જ ગુજરાતી જાણવું છે, ‘‘શુભસ્ય શીઘ્રમ’’. સારા કામમાં વાર કેવી? શરૂઆત કરી દે પણ મમ્મી પર ગુસ્સો ન કરતી.
અંગ્રેજી પણ આજકાલ જરૂરી તો છે જ. પણ એના લીધે માતૃભાષા ન જાણવી, એ ખોટું છે. જેમ ત્યાંના લોકોને એમની માતૃભાષા આવડે છે, જો તેઓ થોડું અંગ્રેજી જાણતા હોત તો તમને લોકોને તકલીફ ન પડત ને? ચૈતાલી કહે, હા, હોં એ વાત તમારી સાચી. આપણે બીજા સાથે વાતચીત કરી શકવા જોઈએ અને અંગ્રેજી તો એ રીતે દુનિયાની ‘‘ઈન્ટરનેશનલ લેંગ્વેજ’’ તરીકે વિસ્તાર પામી છે. પણ હવે ગુજરાતી તો વાંચતા લખતા શીખવું જ છે.
આમ ચૈતાલીની જેમ કંઈ કેટલાયે યંગસ્ટર્સ હશે, જેમને અંગ્રેજી આવડે છે, ગુજરાતી નથી આવડતું. આ જ લોકો ફ્રેન્ચ, સ્પેનિશ, જાપાનીઝ શીખવા જાય છે પણ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત શીખવા માટે કોઈ માર્ગદર્શક નથી બનતું.
બીજી એક કડવી વાસ્તવિકતા છે કે આપણા જ લોકો ખૂબ જ સહજ રીતે જાણ્યે અજાણ્યે પોતાનું જ અપમાન કરે છે. સાતમા ધોરણમાં મુંબઈની ભદ્ર કહેવાતી અંગ્રેજી શાળામાં ભણતી આયુશીને પૂછયું કાલે શેનું પેપર છે? (એની પરીક્ષા ચાલુ છે) એ કહે, ‘‘ગુજ્જુ’’. હું તો સડક જ થઈ ગઈ. મેં કહ્યું’ “આયુશી, આપણે ગુજરાતી આખું બોલવામાં શું વાંધો?” તો કહે “બધાં ‘ગુજ્જુ’ જ કહે છે.” આ થોડો તકલીફ આપે એવો શબ્દ છે. મેં એને સમજાવ્યું તો મને કહે, મમ્મી પણ કહે છે ‘‘ગુજ્જુ’’. (હવે આ મમ્મીઓને કોણ શીખડાવે?) મમ્મી પોતે પણ અંગ્રેજી શાળામાં ભણી છે તેથી આયુશીને ‘ગુજરાતી’ વિષયમાં કંઈ પૂછવું હોય તો પપ્પાની રાહ જોવી પડે છે.
અહીં પાછું કહેવાનું મન થાય છે કે અંગ્રેજી ભાષાનો વાંધો નથી પણ પોતાનો વારસો ન જાળવો એ દુઃખની વાત છે. આપણા છોકરાઓ એક ગુજરાતી અખબાર ન વાંચી શકે? કારણ ગુજરાતી નથી આવડતું. બોલે છે, વાંચતા લખતા નથી આવડતું. તો પછી ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, અવિનાશ વ્યાસ, ઉમાશંકર જોશી, કવિ ન્હાનાલાલ, કલાપી, દલપતરામ, નરસિંહ મહેતા અને સુરેશ દલાલ દ્વારા રચાયેલા અદ્ભુત સાહિત્ય, આ સાહિત્યમાં કહેવાયેલી અદ્ભુત વાતો, સંસ્કારો, નૈતિકતા વિ. મૂલ્યો, જે દ્વારા જીવન જીવવાની કળા આત્મસાત્ થાય (એ માટે ક્લાસમાં જવાની જરૂર ન પડે), વ્યક્તિત્વ ખીલે આ બધું આપણાં બાળકોને નહિ મળે કારણ? કારણ કે અમારા બાળકને ગુજરાતી વાંચતા લખતાં નથી આવડતું. શું આ અદ્ભુત વારસાથી એમને વંચિત રાખવા માટે આપણે એમના ગુનેગાર નથી? આપણી ફરજ અને જવાબદારી નથી બનતી કે એમને ગુજરાતી શીખવાડીએ? હું એવા ઘણા લોકોને જાણું છું જેઓ અંગ્રેજીમાં જ ભણ્યા છે, જેમની ઉંમર ૬૦ની આસપાસ હશે. પોતે દાદાદાદી બન્યાં છે પણ સાથે ગુજરાતી ભાષા પર પણ એટલું જ પ્રભુત્વ. એક ભાઈ કહે, મને તો ૪૨ વર્ષ સુધી ગુજરાતી જ નહોતું આવડતું પછી શીખ્યા અને આજે ૭૮ વર્ષની ઉંમરે સુંદર લખાણ ગુજરાતીમાં લખી શકે છે. ધર્મના ક્ષેત્રમાં પણ આજકાલ બાળકો માટે અંગ્રેજી અનુવાદવાળી ચોપડીઓ તૈયાર કરાય છે. કારણ કે બાળકોને ગુજરાતી નથી આવડતું. જો ખરેખર, આપણે આ બાળકોનું ઘડતર કરવા માગતા હોઈએ તો આ પેઢીને સાથે સાથે ગુજરાતી સંસ્કૃત ભણાવવા પર ધ્યાન આપવાની જરૂર છે, નહિ કે ફક્ત અંગ્રેજી અનુવાદ. આ તો શોર્ટકટ છે. આ બાળકો હંમેશાં માતા પિતા કે કહેવાતા ગુરૂઓ પર જ નિર્ભર રહેશે. શું એમને આત્મનિર્ભર કરવા છે? તો ગુજરાતી સંસ્કૃત ભણાવો. જેથી ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો ક્યારેક વાચી વિચારી શકે. જે બાળક ફ્રેન્ચ શીખી શકે એ ગુજરાતી ન શીખી શકે? માટે આવી પાંગળી દલીલો ન કરો. એમનો પાયો મજબૂત કરો. અંગ્રેજી તો આવડે જ છે પછી જુઓ એમની પર્સનાલિટી. હમણા કાંદિવલીમાં ટી.વાય. બી.કોમ.ની છાત્રાએ પરીક્ષાના ડરથી આપઘાત કર્યો. જો આપણાં સંતાનો પાસે આપણા કવિ લેખકોનો વારસો હશે તો આવી નબળી ક્ષણો એમના જીવનમાં ક્યારેય નહિ જ આવે, ગેરંટીડ. પૂજા કોલેજમાં જાય છે. એનો પ્રશ્ન છે મારી મમ્મી ગુજરાતી છે, પપ્પા મરાઠી છે મારી માતૃભાષા કઈ? (એ કહે છે મારી માતૃભાષા ગુજરાતી છે મરાઠી મારી પિતૃભાષા છે) આપનો શો જવાબ છે?
– બીના ગાંધી (મુંબઇ સમાચાર, 5 એપ્રિલ, 2008)
June 21, 2008 at 11:25 am |
[…] માતૃભાષા – આજના સમયમાં […]
June 21, 2008 at 7:15 pm |
ભાઈ અખીલને બહુ બહુ ધન્યવાદ..
અને લેખીકા બીનાબહેનને પણ અમારા અભીનંદન પહોંચાડજો..ઉ.મ..